સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.

બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.

108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.

માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

Tags: ,

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,

મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ સકળ વિશ્વનું

એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,

હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણકમળમાં,

મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહિનો,

દેખી દિલમાં દર્દ વહે,

કરૂણાભીની આંખોમાંથી

અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,

માર્ગ ચીંધવા ઊભો રહું,

કરે ઊપેક્ષા એ મારગની,

તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,

સૌ માનવ લાવે,

વેરઝેરના પાપ તજીને,

મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

—————-

Tags: , ,

વિશ્ર્વંભરી અખિલ વિશ્ર્વતણી જનેતા,

વિધ્યાધરી વદનમાં વસજો વિધાતા.

દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,

મામ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો…

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,

સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની,

ભાસે ભયંકર વળી મનના ઉતાપો…. મામ

આ રંકને ઉતરવા નથી કોઈ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહી હાથ તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો…. મામ

મા ! કર્મ જન્મ કથની કરતાં વિચારું,

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું,

કોને કહું કઠણ યોગ તણો બળાપો…. મામ

હું ક્રોધ કામ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષિતના કરી માફ પાપો…. મામ

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

ના મંત્ર કે સ્તુતિ કથા કદી કાંઈ કીધું,

શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો…. મામ

રે! રે! ભવાની બહુ ભૂલ થઈ જ મારી,

આ જીંદગી થઈ મને અતિશે અકારી,

દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો…. મામ

ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડ માં અણુ અણુ મહીં વાસ તારો,

શકિત ન માપ ગણવા અગણિત માપો…. મામ

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું તમારો,

જાડયાંધકાર કરી દૂર સુબુદ્ધિ પાપો…. મામ

શિખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,

તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,

વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો…. મામ

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,

રાત્રિ દિને ભગવતી તુજને ભજુ છું,

સદભકત સેવક તણા પરિતાપ ચાપો…. મામ

અંતર વિશે અધિક ઊર્મિ થતાં ભવાની,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાની,

સંસારના સકળ રોગ સમૂળ કાપો,

હે માત! ‘કેશવ’ કહે તવ ભકિત આપો…. મામ

Tags: , ,

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)

અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.

ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)

બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,

ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)

ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….

ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)

ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..

ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)

પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..

ૐ જયો જયો મા જગદંબે.

ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)

નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….

ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)

ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….

ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)

સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..

ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)

નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા

ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)

રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….

ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)

કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….

ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)

બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા

ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા

ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)

ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા

ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)

વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા

ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,

સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે

ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી

સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,

મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)

ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..

હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.

ૐ જયો જયો મા જગદંબે.

એકમે એક સ્વરૂપ અંતર નવ ધરશો મા (2)

ભોળા ભવાની ને ભજતાં (2), ભવસાગર તરશો…..

ૐ જયો જયો મા જગદંબે.

ભાવ ન જાણું ભક્તિ જ જાણું ન જાણું સેવા મા (2)

વલ્લ્ભ ભટ્ટને રાખ્યા (2), નિજ શરણે રહેવા…..

ૐ જયો જયો મા જગદંબે.

માનો મંડપ લાલ ગુલાલ, શોભે બહુ સારો મા (2)

હું છું બાળ તમારો (2), શરણે નિત્ય રાખો…..

ૐ જયો જયો મા જગદંબે.

Tags: , , ,

10
Mar

રંગાઇ જાને રંગમાં..

   Posted by: Tejash Shah   in Hinduism

રંગાઇ જાને રંગમાં..

સીતારામ તણા સતસંગમાં

રાધેશ્યામ તણા તું રંગમાં..

રંગાઇ જાને રંગમાં..

આજે ભજશું, કાલે ભજશું,

ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,

શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં..

રંગાઇ જાને રંગમાં..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,

પહેલાં અમર કરી લઉં નામ,

તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં..

રંગાઇ જાને રંગમાં..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,

રહેવા ના કરી લો ઠામ,

પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં..

રંગાઇ જાને રંગમાં..

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,

પછી ફરીશું તીરથ ધામ,

આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં..

રંગાઇ જાને રંગમાં..

બત્રીસ ભાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,

એમાં ક્યાંથી સાંભરે રામ,

દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં..

રંગાઇ જાને રંગમાં..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,

માટે ઓળખ આતમરામ,

બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં..

રંગાઇ જાને રંગમાં..

Tags:

Get Adobe Flash playerPlugin by wpburn.com wordpress themes